મોરિયા
ચાર રસ્તે રાતભર બસ ઢોલ ગાજે, મોરિયા,
કાનના પડદા ફટે ને ભક્તિ લાજે, મોરિયા.
રંગરોગાને ચળકતા, પ્લાસ્ટરે ઊંચા બને,
ઓગળે ના, જળ સડે, ત્યાં તો ન છાજે મોરિયા.
આરતી ટાણે પધારે, ફોટ પાડી જાય છે,
બેનરે નેતા ઝગે, ને ક્યાંક રાજે મોરિયા.
મોદકોના ઢગ ચડે ને બાળ ભૂખ્યાં બારણે,
એમના ખાલી ઘરે જો આવ આજે, મોરિયા!
ઢોલ, ડીજે, ભીડ સઘળી ઓસરી ગઈ તો ‘પરાગ’,
શાંત મનના ગોખમાં હળવે બિરાજે મોરિયા.
– પરાગ રતનપરા
#ગઝલ #ગણપતિ #ગણેશોત્સવ #વ્યંગ #સાચીભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #GaneshUtsav #Ganpati #FestivalSatire #TrueDevotion #ParagRatanpara