← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોગરો મ્હોર્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારે આંગણિયે મોગરો મ્હોર્યો ને સાયબો ગયો પરદેશ,
કોને દેખાડું ફૂલડાંની ફોરમ, કોને મોકલું સંદેશ?

સવારે ઊઠીને ક્યારો સીંચું ને સાંજે ગણું હું કળીઓ,
કળીએ કળીએ નામ લખું તારું, ઝૂરે આ ભીની ગલીઓ;
વાયરો આવીને પૂછે વાતલડી: ‘ક્યારે આવશે તારો નરેશ?’
મારે આંગણિયે…

ગજરો ગૂંથું ને વેણીમાં નાખું, દર્પણ સામે શરમાઉં,
દર્પણ પૂછે: ‘કોને રે કાજે?’ — હું તો ભોંઠી પડી જાઉં;
રાતે મોગરો ઓશીકે મૂકું, સપનાં રંગું હમેશ…
મારે આંગણિયે…

પરાગ કહે: આ મોગરો તો છે વિરહની ભીની વાત,
જેટલો ઝૂરે, એટલો મ્હેકે, દિવસ હોય કે રાત;
સાયબો આવે ત્યાં લગી રાખું ફોરમનો અવશેષ…
મારે આંગણિયે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપણ સાંભરેઆગલો લેખ →ઓઢણીમાં ચાંદો