← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીડમાં તેં સ્હેજ પાલવ ઝાલવા દીધો હતો,
એ જ પળ મેં સાવ મેળો માણવા દીધો હતો.

આંખ તારી જોઈ વેપારી બધા ભૂલી ગયા,
ભાવ સોનાનો ગમે તે ધારવા દીધો હતો.

આભ નીચે આવતું'તું બેસતાં ચગડોળમાં,
આંખ મીંચી, મેં સમયને હાંફવા દીધો હતો.

રમકડાંની રેકડીએ બાળપણ ઊભું હતું,
તેં મને ફુગ્ગો તમારો રાખવા દીધો હતો.

સાંજ પડતાં ભીડ ઓછી ને પછી મેળો ખતમ,
તોય ઘર લગ એક પગરવ ચાલવા દીધો હતો.

આ પરાગે ભરબજારે ના ખરીદ્યું કાંઈ પણ,
જીવ તારી આંખમાં બસ આંકવા દીધો હતો.

– પરાગ રતનપરા

#ગઝલ #મેળો #પ્રથમપ્રેમ #ભરબજાર #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageFair #FirstLove #CrowdedBazaar #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછૂટા શેર ૫૨૫૬–૫૨૬૫આગલો લેખ →સ્મિતની સાંકળ