મેહુલો મારો વીર
મેહુલો મારો માડીજાયો વીર, આવે વરસે વરસ,
બેની ઊભી ઉંબરે, લઈ સૂકા ખેતરની તરસ.
જેઠ તપ્યો ને ધરતી ફાટી, ભાભી રાતી પીળી,
વીરો આવ્યો વાદળ ઘોડે, વીજની ચાબુક લીલી;
ખોબે ખોબે વરસ્યો, જાણે મામેરું અઢળક…
મેહુલો મારો…
વાડે વાડે ચૂંદડી ફરકી, ખેતર ઓઢ્યું લીલું,
કૂવે આવ્યું પાણી, ને માનું હૈયું થયું ઢીલું;
‘ગયે વરસ કાં ના આવ્યો?’ — બેની રિસાઈ, ઘડીભર…
મેહુલો મારો…
પરાગ કહે: આ મેહ નથી, આ ભાઈ-બેનનો નાતો,
વરસે ત્યારે વરસે આખો, ના ગણે કોઈ ખાતો;
એક રાખડી વીજની બાંધી, બેની કહે: ‘આવજે દર વરસ’…
મેહુલો મારો…
– પરાગ રતનપરા