મેહુલિયા, તું આવ
મેહુલિયા, તું આવ ને, તારી વાટ જુએ છે ગામ,
ખેતર ખાલી, કોઠી ખાલી, ખાલી ઠાલાં ઠામ.
દખ્ખણમાં તું ધોધમાર, ને ઉત્તર કોરો કેમ?
એક જ માના બે દીકરા, ને જુદો જુદો પ્રેમ?
અમે ય તારાં છોરુ, મેહુલા, કર ને અમારું કામ.
મેહુલિયા, તું આવ ને…
ગાડું જોડી લઈ આવું તને, બાંધી દઉં ખૂંટે,
ઢોર-ઢાંખર સૌ રાહ જુએ, ચારો આખો ખૂટે;
નાળિયેર ચડાવું, ઘીનો દીવો, ગામના દેવને નામ.
મેહુલિયા, તું આવ ને…
પરાગ કહે: ખેડૂ હાર્યો, હવે આંસુ ખૂટ્યાં,
ધરતીના હોઠે ચીરા પડ્યા, પાણી સપને ઘૂંટ્યાં;
આવ, મેહુલા, ભીંજવી દે, ને રાખ અમારી મામ.
મેહુલિયા, તું આવ ને, તારી વાટ જુએ છે ગામ…
– પરાગ રતનપરા