મીરાં કે’ રાણાજી
મીરાં કે’ રાણાજી, તારા મ્હેલ મને સાંકડા લાગે,
મારો ગિરધર ગગન સરીખો, રોમ રોમમાં જાગે.
તેં તો મોકલ્યાં રેશમ-ચીર ને મોતીડાંનો હાર,
મેં તો ઓઢી લીધી ધૂળ ને પહેર્યો કરતાલનો ભાર;
તારા દીવા ઝાંખા પડે છે, મારે ભીતર સૂરજ તાગે…
મીરાં કે’ રાણાજી…
તેં તો ઝેરનો પ્યાલો મોકલ્યો, મેં તો ચરણામૃત જાણ્યું,
તેં તો નાગ પિટારે મોકલ્યો, મેં તો હાર બનાવી માણ્યું;
જેને હરિનો હાથ ઝાલ્યો, એને ડંખ ક્યાંથી વાગે?
મીરાં કે’ રાણાજી…
પરાગ કહે: આ મીરાં કોઈ એક જ યુગમાં ના આવે,
જ્યાં જ્યાં કોઈ મન મુક્ત થઈને પોતાનો સૂર ગાવે;
ત્યાં ત્યાં મહેલની દીવાલો ધ્રૂજે, ને એકતારો આગે…
મીરાં કે’ રાણાજી…
– પરાગ રતનપરા