← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મન વેપારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાધો, આ મન મોટો વેપારી,
નફો-તોટો ગણતો રે’તો, ભૂલ્યો નામ મુરારી…

સવારે ઊઠી ભાવ જુએ ને રાતે ગણે ઉધાર,
માળા ફેરવે, તોય ગણે છે મણકે મણકે વ્યાપાર;
મંદિરે પણ માગણ થઈને લાવ્યો માગણી ભારી…
સાધો, આ મન…

ઘર ભર્યું, તિજોરી ભરી, ભરી ન ભીતર ઝોળી,
સગાં-સંબંધી, મિત્રો સૌને તોળ્યા ત્રાજવે તોળી;
છેલ્લે ચોપડો ખોલ્યો, તો બસ ખોટ હતી ત્યાં સારી…
સાધો, આ મન…

પરાગ કહે: વેપાર કરો તો કરો પ્રેમનો સોદો,
જેટલું આપો એટલું વધતું, એવો નિરાળો સોદો;
એ ગલ્લે બેસી જાવ, સાધો, ઊઘડે મોક્ષની બારી…
સાધો, આ મન…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધાર્યું ન’તુંઆગલો લેખ →મોંઘો માનવ દેહ