મખમલી રાત
રાત મખમલની ઢળે ત્યાં ભોર થઈને આવજે,
સ્વપ્નમાં ધીમે પગે તું મોર થઈને આવજે.
ચાંદ ચુપ છે, તારલાઓ નીંદમાં ડૂબી ગયા,
મૌન આ આકાશમાં તું શોર થઈને આવજે.
કાગળોના છે પતંગો, આભ પણ સૂનું સખી,
તું હવાની આંગળીનો દોર થઈને આવજે.
રાખશું ખુલ્લાં કમાડો, ઓરડે દીવો હશે,
લૂંટવું હો તો હૃદયનો ચોર થઈને આવજે.
આંખ કોરી, હોઠ સુક્કા, રણ સમો છે આ પરાગ,
તું હવે આષાઢનો ઘનઘોર થઈને આવજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રતીક્ષા #સપનું #રાત #પરાગરતનપરા
#GujaratiGhazal #LovePoetry #Longing #NightOfDreams #MonsoonOfLove #ParagRatanpara