← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મહીડાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માથે મટુકી, મહીડાં વેચવા હાલી મથુરાની વાટ,
વાંસળી વાગી ને હું તો ભૂલી, ક્યાં છે મારું હાટ!

જમનાને કાંઠે કદંબની છાંયે બેઠો નંદનો લાલ,
મોરપીંછું ઝૂલે ને ઝૂલે મારા હૈયાની ડાળ;
‘મહીડાં લ્યો’ની બૂમ પાડું, ત્યાં હોઠે ‘શ્યામ’નો પાઠ…
વાંસળી વાગી ને હું તો ભૂલી…

ગોરસ ઢોળ્યું, મટુકી ફોડી, રોકી મારી કેડ,
સાસુ કહેશે ‘ક્યાં ગઈ’તી?’, હું શું કહું રે ભેદ?
ખાલી મટુકી લઈ ઘેર આવી, તોય ભરેલી જાત…
વાંસળી વાગી ને હું તો ભૂલી…

પરાગ કહે: આ ગોપીનો સોદો કોઈ ન સમજે, ભાઈ,
મહીડાં દીધાં, મન પણ દીધું, તોય કરી કમાઈ;
જેણે ખોયું શ્યામ કને, એણે જીત્યો ભવનો ઘાટ…
માથે મટુકી, મહીડાં વેચવા હાલી મથુરાની વાટ.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભૂલી ગયાઆગલો લેખ →તું હસે ને