← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માટી થઈને રહેવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારે માટી થઈને રહેવું રે, મારે માટી થઈને રહેવું,
વરસાદે મ્હેકી ઊઠવું, ને ખેડુને પગલે વહેવું.

ઊંચા ઊંચા ટાવર જોયા, જોયાં કાચનાં ઘર,
સોનાના પિંજરમાં પંખી ભૂલી ગયાં અંબર;
મારે તો ગાડાની કેડીએ ધૂળ થઈને વહેવું…
મારે માટી થઈને રહેવું…

કુંભાર ઘડે તો માટલું થાઉં, ખેડુ વાવે તો ધાન,
બાળક રમે તો ઘરઘર થાઉં, મંદિરે થાઉં ભગવાન;
મારે કોઈનું કશુંક થઈને, પાછું માટીમાં વહેવું…
મારે માટી થઈને રહેવું…

પરાગ કહે: ફૂલ ખરે, ને માટી ખોળો પાથરે,
એ જ ખોળે ઊગે ફરી એ, થઈને વૃક્ષ આખરે;
જીવન-મરણનું ચકડોળ એમ જ હસતાં હસતાં સહેવું…
મારે માટી થઈને રહેવું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકાગળની હોડીઆગલો લેખ →બપોરે પડછાયો