મારું નાનકડું ગામ
ડુંગરની ગોદે ઝૂલે મારું નાનકડું ગામ,
પાદર બેઠા હનુમાનજી, ને ચોરે બેઠા રામ.
સવાર પડે ને મંદિરે ઝાલર, મસ્જિદે અઝાન,
કૂકડો બોલે, ગાયો દોડે, ખેતરે ચાલે કિસાન;
કૂવે કૂવે પનિહારીનાં ગીતો આઠે જામ…
ડુંગરની ગોદે…
નદી વહે ત્યાં ઝીણી ઝીણી, ઝાડ ઝૂલે ત્યાં ઝાઝાં,
મેળો ભરાય શ્રાવણમાં, ને ઢોલ ઢબૂકે તાજાં;
ભૂલકાં ભમે ભાગોળે, ને ડોસા કરે વિશ્રામ…
ડુંગરની ગોદે…
પરાગ કહે: આ ગામ નથી, આ મારી માનો ખોળો,
શહેર ભલે ચમકે, પણ મારો પ્રાણ અહીંનો ભોળો;
છેલ્લો શ્વાસ પણ અહીં જ લેવો, એ જ મારું ધામ…
ડુંગરની ગોદે…
– પરાગ રતનપરા