મારામાં
ઘણો ભાગ્યો, છતાં છૂટી નહીં તન્હાઈ મારામાં,
સમંદર પણ ડરી જાતો, જુએ ઊંડાઈ મારામાં.
અરીસો રોજ બતલાવે મને જે રૂપ, એ ખોટું,
છુપાવી છે બધાથી મેં ખરી સચ્ચાઈ મારામાં.
બપોરે સૂર્ય માથે, ને ન દેખાતી કશે એ તો,
ઢળે છે સાંજ ત્યાં લાંબી બને પરછાઈ મારામાં.
બધાને ‘સત્ય બોલો’ની સલાહો હું દઉં છું, પણ
ઘરે પત્ની જરા પૂછે, ઘટે ઊંચાઈ મારામાં.
પરાગે ફૂલ શોધ્યાં'તાં બધે, વગડે અને બાગે,
હતી સઘળી સુગંધોની ખરી અમરાઈ મારામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #અંતર્યુદ્ધ #આત્મખોજ #એકાંત #સચ્ચાઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerBattle #SelfDiscovery #Solitude #HiddenTruth #ParagRatanpara