← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારા ગયા પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા ગયા પછી
સૌથી પહેલાં
બાલ્કનીનાં કૂંડાં જાણશે.

સવારે સાત વાગ્યે
તુલસી રાહ જોશે,
મની પ્લાન્ટ
ગ્રીલ પર થોડો વધુ લંબાશે,
ને ગુલાબ
કળી ઉઘાડતાં પહેલાં
એક દિવસ વિચારશે.

ઘરનાં લોકો તો
ફોટા પર હાર ચડાવશે,
વીમાના કાગળો શોધશે,
બૅંકના પાસવર્ડ ખોળશે.

પણ પેલી ચકલી
જેને હું રોજ
બાજરીના દાણા નાખતો,
એ ત્રણ દિવસ સુધી
પાળી પર બેસીને
મારી બારી સામે જોયા કરશે.

મરણ પછી
જે આપણને સૌથી વધુ યાદ કરે,
એ ઘણી વાર
આપણી વસિયતમાં
હોતું જ નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકવિતા લખવા બેઠોઆગલો લેખ →અક્ષરે