અક્ષરે
જે કદી જીવ્યો નહીં, એ સાવ ઘૂંટ્યું અક્ષરે,
ને હૃદયમાં જે હતું, ના સ્હેજ આવ્યું અક્ષરે.
સૌ પ્રથમ પાટી ઉપર ઘૂંટ્યો હતો મેં ‘મા’ શબદ,
આજ લગ એ ‘મા’ ન પૂરું કોઈ વાંચ્યું અક્ષરે.
ન્યાય, સમતા, બંધુતા, સઘળું છપાયું ગ્રંથમાં,
ઝૂંપડીએ એ બધું તો માત્ર દીઠું અક્ષરે.
નામ તારું ડાયરીમાં સો વખત છેક્યું, છતાં
પણ હૃદયમાં કોતરેલું કોઈ ભૂંસ્યું અક્ષરે?
જિંદગી જીવી ‘પરાગે’, એ જ તો ગઝલો બની,
શ્વાસથી સીંચ્યું હતું જે, એ જ ઊગ્યું અક્ષરે.
– પરાગ રતનપરા
#ગઝલ #શબ્દ #કવિતા #મા #સચ્ચાઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #WordsAndLife #WrittenVsLived #Mother #PoetsTruth #ParagRatanpara