માનો ખોળો
માના ખોળે માથું મૂક્યું, ત્યાં જ મળ્યું ગંગાજળ,
જાત્રા કરવા ક્યાં જાવું, ક્યાં ભટકું હું પળપળ?
ચારે ધામે ફરી વળ્યો હું, ચડ્યો હજારો પગથિયાં,
ઘંટ વગાડ્યા, દીવા કર્યા, ઘસ્યાં ઘણાં ચંદનિયાં;
પણ માની આંગળીએ જે મળ્યું, ના મળ્યું એવું ફળ…
માના ખોળે…
એના હાથે ઘડેલો રોટલો, એ જ મારો પરસાદ,
એના હાલરડામાં ગુંજે ગીતાનો અનહદ નાદ;
એની કરચલીઓમાં વાંચું વેદ તણું હર પળ…
માના ખોળે…
પરાગ કહે: જે ઘરમાં મા છે, ત્યાં કાશી ને મથુરા,
માને છોડી મંદિર દોડે, એના સઘળા મનસૂબા અધૂરા;
માના ચરણે ઝૂકે એને ઝૂકે આખું આભ-અચળ…
માના ખોળે…
– પરાગ રતનપરા