માળો ને આકાશ
વીસ વર્ષે
મને આકાશ જોઈતું હતું:
ઊંચી ઉડાન,
અજાણ્યાં શહેર,
ખિસ્સામાં પાસપોર્ટ.
ચાલીસે
મને માળો જોઈતો હતો:
ઘર, હપ્તા,
બાળકની નિશાળ,
બારીમાં એક તુલસી.
સાઠે પહોંચીને
સમજાયું —
આકાશ અને માળો
બંને
એક જ પાંખમાં સૂતાં હોય છે.
હવે સાંજે
અગાસીએ બેસું છું,
ને આકાશને
માળામાં ઊતરતું જોઉં છું.
– પરાગ રતનપરા