કોરો કાગળ
શહેરમાં તોફાન થયાં
એ રાતે
એક બાળકે
દફતરમાંથી કોરો કાગળ કાઢ્યો.
એક જણે કહ્યું: ‘આના પર “ૐ” લખ.’
બીજાએ કહ્યું: ‘ના, “અલ્લાહ” લખ.’
ત્રીજાએ કહ્યું: ‘“ક્રૉસ” દોર.’
બાળકે
કંઈ જ ન લખ્યું.
એણે કાગળની
હોડી બનાવી,
ને વરસાદના વહેતા પાણીમાં
તરતી મૂકી દીધી.
હોડી
મંદિરની પાસેથી,
મસ્જિદની પાસેથી,
ચર્ચની પાસેથી
પસાર થઈ —
ક્યાંય અટકી નહીં.
સવારે
ત્રણેય ધર્મસ્થાનોનાં પગથિયાં
એક જ પાણીથી
ધોવાયેલાં હતાં.
– પરાગ રતનપરા