← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

લેબલનો લબાડવાડો

૧૫ એપ્રિલ ૨૦૨૬નિબંધ

# લેબલનો લબાડવાડો

*— પરાગ રતનપરા*

માણસ જાતનો સૌથી મોટો ભ્રમ એ છે કે એને લાગે છે કે એ જોઈ રહ્યો છે. હકીકતમાં એ જોતો નથી, એ ઓળખે છે. અને ઓળખવું એટલે જોવાનું બંધ કરી દેવું. આ બે વચ્ચેનો ફરક સમજાય તો જિંદગી બદલાઈ જાય, ન સમજાય તો જિંદગી એમ જ પૂરી થઈ જાય — લેબલો ચોંટાડતાં ચોંટાડતાં.

એક સરસ વાત છે: "જે દિવસે તમે બાળકને પક્ષીનું નામ શીખવાડો છો, એ દિવસ પછી બાળક એ પક્ષીને ફરી ક્યારેય જોતું નથી." પહેલી વાર વાંચ્યું ત્યારે મગજમાં ધડાકો થયો. કારણ કે આ માત્ર પક્ષીની વાત નથી. આ આપણી આખી જિંદગીની વાત છે. બાળક પહેલાં પક્ષીને જોતું હતું — એની પાંખોનો રંગ, એની આંખોની ચમક, એની ડોક હલાવવાની ઢબ, એના અવાજમાં છુપાયેલી ભૂખ કે ભય. નામ આવ્યું, અને બધું ગયું. હવે બાળક કહેશે "કાગડો" અને આગળ ચાલી જશે. કાગડો જોવાની જરૂર જ નથી રહી — નામ તો આવડી ગયું ને?

આપણે બધા આ જ કરીએ છીએ. આખી જિંદગી. "પત્ની" શબ્દ બોલીએ અને લાગે કે સમજાઈ ગઈ. અરે ભાઈ, વીસ વર્ષ સાથે રહ્યા પછી પણ જો તમને લાગતું હોય કે તમે "પત્ની" સમજી ગયા છો, તો તમે કાં તો મૂર્ખ છો કાં તો ખોટું બોલો છો. "પતિ" પણ એ જ વાર્તા. એક શબ્દમાં આખો માણસ કેદ કરી દેવાનો આ ધંધો — આને ભાષા કહેવાય કે કારાગાર, એ નક્કી કરવું અઘરું છે.

ધંધામાં તો આ રોગ મહામારી બની ગયો છે. "કસ્ટમર." કેટલો સુંદર શબ્દ. એક જ શબ્દમાં લાખ માણસોને ઠોકીને ભરી દીધા. હવે એમની પીડા અનુભવવાની જરૂર નથી, એમની વાર્તા સાંભળવાની જરૂર નથી, એમના ઘરે જવાની જરૂર નથી. "ટાર્ગેટ ઓડિયન્સ" છે, "પર્સોના" છે, "સેગ્મેન્ટ" છે. એક્સેલ શીટમાં બધું છે. એક્સેલ શીટમાં જે નથી એ જ અસલી છે, પણ એ વાત કોણ સમજાવે? મોટા મોટા બોર્ડરૂમમાં બેઠેલા મહાનુભાવો પોતાના કસ્ટમરને છેલ્લે ક્યારે મળ્યા હતા એ પૂછો તો જવાબ આવશે — "અમારી પાસે રિસર્ચ ટીમ છે." વાહ. રસોઈ બીજા કોઈ ખાય અને સ્વાદ તમે નક્કી કરો — આવું ચાલે?

શાળામાંથી જ આ બીમારી શરૂ થાય છે. શિક્ષક કહે — "આ ગુલાબ છે." બસ, પત્યું. હવે ગુલાબ જોવાની જરૂર નથી, ગુલાબને સૂંઘવાની જરૂર નથી, ગુલાબની પાંખડીઓ કેવી રીતે ગોઠવાયેલી છે એ જોવાની જરૂર નથી. નામ આવડી ગયું એટલે વિષય ખતમ. ભણતર એટલે જિજ્ઞાસાનું ખૂન. અને આપણે એને "શિક્ષણ" કહીએ છીએ. આ પણ એક લેબલ જ છે ને?

સૌથી રમુજી વાત એ છે કે આપણે પોતાને પણ લેબલ લગાડી દઈએ છીએ. "હું ઇન્ટ્રોવર્ટ છું." "હું મેનેજર છું." "હું ગુજરાતી છું." "હું પ્રામાણિક માણસ છું." આ બધા લેબલો પહેર્યા પછી માણસ પોતાને જ ઓળખવાનું બંધ કરી દે છે. પછી એ લેબલ પ્રમાણે જીવે છે, પોતાના સ્વભાવ પ્રમાણે નહીં. ઇન્ટ્રોવર્ટ લેબલ લગાડ્યા પછી પાર્ટીમાં જવાનું બંધ — કારણ કે "હું તો ઇન્ટ્રોવર્ટ છું ને?" અરે ભાઈ, તું માણસ છે પહેલાં, ઇન્ટ્રોવર્ટ પછી. પણ ના, લેબલ મોટું, માણસ નાનો.

હું એમ નથી કહેતો કે ભાષા છોડી દો, શબ્દો છોડી દો, જંગલમાં ચાલ્યા જાવ. ભાષા વગર કામ ન ચાલે. પણ ભાષા એક નકશો છે, પ્રદેશ નથી. નકશો જોઈને તમે મુંબઈ જોયું એવું ન કહેવાય. મુંબઈ જોવા માટે મુંબઈ જવું પડે, ત્યાંની ગંધ શ્વાસમાં ભરવી પડે, ત્યાંના લોકોની આંખોમાં જોવું પડે, ત્યાંની ભીડમાં ધક્કા ખાવા પડે. નકશો બતાવે છે ખરો, પણ નકશો છેતરે પણ છે.

આ અઠવાડિયે એક પ્રયોગ કરજો. ઘરે પાછા જાવ ત્યારે પત્ની કે પતિને "પત્ની" કે "પતિ" તરીકે નહીં, એક અજાણ્યા માણસ તરીકે જુઓ. પહેલી વાર મળતા હો એમ. તમને નવું કંઈક દેખાશે — એવું કંઈક જે વીસ વર્ષથી તમારી સામે હતું અને તમે જોયું નહોતું. કારણ કે લેબલ વચ્ચે આવી ગયું હતું.

વિચારવું એ આપણી સૌથી મોટી ટેવ છે. અને મોટાભાગના લોકો વિચારતા નથી — એ લેબલોને હલાવે છે અને માને છે કે વિચારી રહ્યા છે. ફરક છે. મોટો ફરક છે.

લેબલ હટાવો. દુનિયા દેખાશે. કદાચ પહેલી વાર.

જીવનચિંતનકુટુંબયાદો
← પહેલો લેખયુરોપ: એક સુંદર કબ્રસ્તાનની વાર્તાઆગલો લેખ →હોર્મુઝની બહારનો દરવાજો: ઈરાનનો બે અબજ ડૉલરનો જુગાર