ક્યારે સવાર?
આંસુ કેદી, બંધ પાંપણ, રાતની ક્યારે સવાર?
ઠેસ પર ઠેસો પડી, આ ઘાતની ક્યારે સવાર?
હું જ મારી જેલ છું ને હું જ ચોકીદાર પણ,
કેદ તોડી નીકળું હું, જાતની ક્યારે સવાર?
ઝૂંપડીમાં બાળ પૂછે, ‘ભૂખ ક્યારે ભાગશે?’
હાંડલીને જોઈ પૂછે: ભાતની ક્યારે સવાર?
રીસમાં કાઢી હતી મેં સાત રાતો, ઓ સખી,
મૌન તૂટે, હોઠ ખૂલે, વાતની ક્યારે સવાર?
આ ‘પરાગે’ પ્રેમ કીધો, ગામ આખું છે ખફા,
ભીંત ઊભી છે અડીખમ નાતની, ક્યારે સવાર?
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #અંધારું #ભૂખ #જ્ઞાતિવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #WaitingForDawn #Hope #Hunger #CasteWalls #ParagRatanpara