કુંભાર
ચાકડે ઘૂમે માટી, ને ઘડાય કોડિયાં રે,
ગામ ઝળહળે, પણ કુંભારનાં અંધારાં ઓરડિયાં રે.
આખી રાત એ ચાકડો ફેરવે, આંગળીએ ઘડે દીવો,
ભઠ્ઠીમાં તપે કોડિયાં, ને તપે કુંભારનો જીવો;
દિવાળીએ સૌ ખરીદી લે, ભાવ ઘટાડે, ઝઘડિયાં રે…
ચાકડે ઘૂમે…
મૉલમાં વેચાય ચીનના દીવા, ઝબૂકે રંગબેરંગી,
ગલીને ખૂણે બેઠો કુંભાર, ઢગલો રહે અણસંગી;
‘બે રૂપિયે એક’ બૂમ પાડે, ને ઊંચે ઊડે ફટાકડિયાં રે…
ચાકડે ઘૂમે…
પરાગ કહે: આ દિવાળીએ એક કોડિયું લેજો ત્યાંથી,
એના ઘરમાં ય દીવો થાશે, તમારી ઝળહળ પાંથી;
માટીના દીવાને જે ખરીદે, એનાં ઊજળાં આંગણિયાં રે…
ચાકડે ઘૂમે…
– પરાગ રતનપરા