કૂણી પગલી
કૂણી કૂણી પગલી પાડે, ઘરમાં ફૂટ્યું ફૂલ રે,
ધરતી પણ હળવેથી ઝીલે, જાણે માખણ-રૂ રે.
પહેલું પગલું માંડ્યું ત્યાં તો ડગમગ ડોલી કાયા,
દાદીમાએ હાથ ધરીને પાથરી દીધી છાયા;
પડતાં પડતાં હસી પડી, ને હસતાં શીખી ભૂલ રે…
કૂણી કૂણી પગલી…
કંકુવાળી પગલી લીધી, ભીંતે છાપી બાએ,
બાપુ ઑફિસ જાતાં જાતાં પાછા વળીને ગાએ;
આંગણિયાની ધૂળ બની ગઈ ચંદન જેવી ધૂળ રે…
કૂણી કૂણી પગલી…
પરાગ કહે: એ પગલી કાલે દૂર દેશ લઈ જાશે,
ત્યારે આ ભીંત પરની છાપે ઘરનું હૈયું ગાશે;
આજ ભલે એ ડગલું ભરતી, કાલ થશે અણમૂલ રે…
કૂણી કૂણી પગલી…
– પરાગ રતનપરા