કોનો નેહ?
બારી બંધ ને ભીંજી ગઈ હું, આ તે કેવો મેહ?
આભ તો આખું કોરું કોરું, વરસ્યો કોનો નેહ?
ચૂલે ચડ્યું’તું દૂધ, ને ઊભરાઈ ગયું મારું મન,
વેણીનાં ફૂલ ઝાકળ ઝીલે, ભીનું ભીનું તન;
કોઈ તો પૂછો, આ કેવો તે આષાઢી સંદેહ…
બારી બંધ ને…
સાસુ બોલ્યાં: ‘વહુ, તાવ છે?’ નણદી બોલી: ‘વહેમ’,
હું તો મૂંગી, મનમાં ઝરમર, હોઠે બસ ‘હાં… એમ’;
ભીનાં નેણ ને ભીની ઓઢણી, ભીનો આખો દેહ…
બારી બંધ ને…
પરાગ કહે: જ્યાં પ્રીત વરસે, ત્યાં ન જોઈએ વાદળ,
એક નજરનું ઝાપટું, ને ભીંજે આખું આંગણ;
જેને ભીંજવે એ જ જાણે, બીજા ગણે છે મેહ…
બારી બંધ ને…
– પરાગ રતનપરા