← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખોવાયેલું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારું એક ગીત ગયું ખોવાઈ,
કોઈ ભાળે તો કહેજો રે ભાઈ…

શહેરને ચોકે હોર્નના ઘોંઘાટે, ટોળામાં ચાલ્યું’તું સાથ,
મોલની ચમકમાં ડઘાઈ ઊભું, છૂટ્યો આંગળીએથી હાથ;
જાહેરખબરનાં પાટિયાં વચ્ચે ગયું ક્યાંક અટવાઈ…
મારું એક ગીત…

શોધ્યું મેં રેડિયે, શોધ્યું મેં ફોને, શોધ્યું પુસ્તકના કબાટ,
કવિસંમેલનના મંચે શોધ્યું, ખોલી ખોલીને સૌ પાટ;
તાળીઓ તો ખૂબ મળી, પણ ગીતની ના પરછાઈ…
મારું એક ગીત…

પરાગ કહે: પછી ગામડે ગ્યો, ત્યાં ઘંટી ફરતી’તી રાતે,
બા દળતી’તી બાજરો ને ગાતી’તી ધીમી વાતે;
ઘંટીના ઘરઘરાટમાં મારું ગીત મળ્યું મલકાઈ…
મારું એક ગીત…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભીંતઆગલો લેખ →તીર્થ