ખેતર કે હું?
સાયબા, સાચું કહેજે આજે, વ્હાલું ખેતર કે હું?
તારી વાટે ઊભી ઊભી ઉંબરે આંસુ લૂછું.
મોતી જેવા દાણા જોઈ આંખો તારી મલકે,
મારાં કંગન ખણકે તોયે મનડું તારું ન છલકે;
ચાડિયાને તો પાઘ પહેરાવે, મારે માથે શું?
સાયબા, સાચું કહેજે…
વાદળ ગાજે ને તું નાચે ખેતર વચ્ચે ભીનો,
હું તો ઘરમાં ચૂલો ફૂંકું, ધુમાડો ઝીણો ઝીણો;
વરસાદે તો તને પલાળ્યો, મારે કોરું કોરું…
સાયબા, સાચું કહેજે…
પરાગ કહે: ત્યાં હસીને બોલ્યો સાયબો ધીમે ધીમે,
‘ખેતર તો છે તારું પિયર, તું જ છે મારી સીમે;
દાણે દાણે તારું નામ, ગણી જો, ગોરી, તું!’
સાયબા, સાચું કહેજે…
– પરાગ રતનપરા