ખખડે છે
પિતા ચાલ્યા ગયા, તોયે હજી આ દ્વાર ખખડે છે,
હજી ખૂણે પડેલા રેડિયાનો તાર ખખડે છે.
સવારે ચા તણો કપ એ જ ખુરશી પાસ મૂકે મા,
પવનમાં ત્યાં પડેલું રોજ એ અખબાર ખખડે છે.
હતો એ ઓરડો જેમાં પિતાનો ડાયરો જામે,
હવે ત્યાં એકલો, મૂંગો, નિરવ દરબાર ખખડે છે.
પિતા ગ્યા, ને ગયું ઘર, ને લડે છે ભાગ માટે સૌ,
છબીમાંથી પિતાની આંખની તલવાર ખખડે છે.
પરાગે કાન માંડ્યા તો, પિતાનો સાદ આવે છે,
‘બધું છોડો, હવે આખો ય આ સંસાર ખખડે છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #સ્મરણ #ઘર #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #Remembrance #Home #Grief #ParagRatanpara