કેસૂડાનો રંગ
કેસૂડાનો રંગ ઊતરે, પણ તારો રંગ ઊતરે ના,
ધોઈ ધોઈ થાકી, સૈયર, ચૂંદડી કેમે ય નીતરે ના.
ફાગણ આવ્યો ફળિયે લઈને પિચકારીનો ભાર,
આંખ મળી ને છૂટી ગઈ મારી શરમની ધાર;
ગાલે અડક્યો ગુલાલ, એનો ગરમાવો વીસરે ના…
કેસૂડાનો રંગ ઊતરે…
સાસુ બોલ્યાં: ‘વહુ, આ ડાઘો કોનો લઈ આવ્યાં?’
નણદી મરકી: ‘ભાભી, તમને કોણે રંગી લાવ્યાં?’
લાજની મારી ઘૂંઘટ તાણું, તોય હૈયું ઢંકાય ના…
કેસૂડાનો રંગ ઊતરે…
પરાગ કહે: આ રંગ નથી, આ પ્રીતની પહેલી છાપ,
પાણીથી એ ના ધોવાય, ઊંડે ઊતરે આપોઆપ;
જનમ જનમનો કેફ ચડ્યો, હવે કોઈ ઉતારે ના…
કેસૂડાનો રંગ ઊતરે…
– પરાગ રતનપરા