કીટલીની સંસદ
ચાની કીટલી પર
સવારે સાત વાગે
આખો દેશ ભેગો થાય છે —
રિક્ષાવાળો, પ્રોફેસર,
બેકાર છોકરો, નિવૃત્ત ફૌજી.
એક જ છાપું
ચાર ભાગમાં ફાટીને
ચાર હાથમાં વંચાય છે.
રાજકારણ, ક્રિકેટ, મોંઘવારી, વરસાદ —
બધા પ્રશ્નો
દસ રૂપિયાની
અડધી ચામાં
ઉકેલાઈ જાય છે.
સંસદ
આટલી સસ્તી
ને આટલી કામની
બીજે ક્યાંય
જોઈ નથી.
– પરાગ રતનપરા