કવિતા મળી
મા હલાવે, ગીત ગાયે, પારણે કવિતા મળી,
બાપુ ઊભા રાહ જોતા, આંગણે કવિતા મળી.
વર્ષ વીત્યાં, ગામ આવ્યો, ઘર હતું તાળે સદા,
જીર્ણ ઘરની ખખડતી એ બારણે કવિતા મળી.
વાળ ધોળા જોઈને, ગભરાઈ ગ્યો હું એક વાર,
બાપ જેવી આંખ દેખી, દર્પણે કવિતા મળી.
રાતના ધાબા ઉપર સૂતાં, સુણી વાતો ઘણી,
તારલા ગણતો હતો, ને ચાંદણે કવિતા મળી.
આ ‘પરાગે’ ગામમાં ઠંડી સવારે, સાંજ પણ
વાત ને ગીતો ગવાયાં, તાપણે કવિતા મળી.
– પરાગ રતનપરા
#ગઝલ #કવિતાનુંઋણ #બાળપણ #માતાપિતા #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #RootsOfPoetry #ParentsLove #VillageNights #Inspiration #ParagRatanpara