કરોડરજ્જુ
સવારે ઊઠીને
સૌથી પહેલાં
હું મારી કરોડરજ્જુ
ખીંટીએ ટાંગી દઉં છું.
ઑફિસમાં સાહેબને નમવાનું છે,
રસ્તે નેતાના પોસ્ટરને,
બૅન્કમાં કૅશિયરને,
પોલીસચોકીએ ખાખીને,
ને સાંજે ટીવી પર
જે જીતે એને.
વાંકા વળવામાં
હવે તો હું એટલો કુશળ છું
કે મારો પડછાયો પણ
મને સલામ ભરે છે.
રાતે ઘેર આવીને
ખીંટીએથી કરોડરજ્જુ ઉતારું છું,
ત્યારે દીકરો પૂછે છે:
‘પપ્પા, આ શું છે?’
હું કહું છું:
‘કંઈ નહીં, બેટા,
જૂના જમાનાનું
એક નકામું રમકડું.’
– પરાગ રતનપરા