કબીર અને સર્ચ એન્જિન
કબીરે
સર્ચ એન્જિનને પૂછ્યું:
‘ઈશ્વર ક્યાં છે?’
અડધી સેકન્ડમાં
ત્રણ કરોડ પરિણામ આવ્યાં —
મંદિરોના નકશા,
તીર્થયાત્રાનાં પૅકેજ,
ઑનલાઇન દર્શનની લિંક,
‘નજીકમાં ભગવાન’ના રિવ્યૂ.
કબીર હસ્યો.
એકતારો ઉપાડ્યો,
ને આંગળી
પોતાની છાતી પર મૂકી.
સ્ક્રીન પર
પહેલી વાર લખાયું:
‘માફ કરશો,
આ સરનામું
અમારા નકશામાં નથી.’
– પરાગ રતનપરા