કાલથી
આજ તો ફુરસદ નથી, બસ, લ્યો, હસીશું કાલથી,
ગામ જઈ, ઘરડાં થયેલાંને મળીશું કાલથી.
ડાયરી કોરી પડી છે, ગીત પણ ઊંઘે અહીં,
જિંદગીની વારતા પણ લો, લખીશું કાલથી.
કાર્ડ જિમનું, ને સલાડો ફ્રીજમાં સડતાં રહે,
લિફ્ટ છોડી દાદરા પણ સૌ ચડીશું કાલથી.
એ ગયાં પરણી, અને આ દિલ હજી બોલ્યા કરે:
‘એમને દિલની બધી વાતો કહીશું કાલથી.’
કાલ આવી ના કદી, ને આજ પણ સરકી ગયો,
આ પરાગે તોય કીધું: ‘હા, મરીશું કાલથી!’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #આળસ #કાલનોવાયદો #જીવનનીયોજના #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Procrastination #FromTomorrow #LifePlans #ParagRatanpara