ચૌદમો માળ
ચૌદમા માળે
ફ્લૅટ નંબર ૧૪૦૩માં
કોઈ રહેતું હતું.
લિફ્ટમાં
ક્યારેક મળી જતા,
એ ‘હાય’ કહેતા,
હું ફોનમાંથી ડોકું ઊંચું કર્યા વિના
‘હલો’ કહેતો.
ગઈ કાલે
સોસાયટીના વૉટ્સઍપ ગ્રુપમાં
મેસેજ આવ્યો:
‘૧૪૦૩નું મેન્ટેનન્સ બાકી છે,
ને ત્યાંથી વાસ આવે છે.’
પોલીસ આવી,
બારણું તૂટ્યું.
આજે ગ્રુપમાં
એકસો બાર લોકોએ
‘ઓમ શાંતિ’ લખ્યું.
મને હજી ખબર નથી
એમનું નામ શું હતું.
– પરાગ રતનપરા