કાગવાસ
કા… કા… કરતો કાગડો આવ્યો, ઓટલે બેઠો આજ,
બા કહે: ‘લે ખીર ખાઈ જા, તારા દાદાને કાજ.’
જીવતા દાદા માગે છાશ, તો કોઈ ન દેતું ધ્યાન,
આજે પીરસે ખીર-પૂરી ને મોટાં મોટાં માન;
કાગડો ખાતો, હસતો મનમાં, ‘કેવો આ સમાજ!’
કા… કા…
ભૂખ્યો ભિખારી બારણે ઊભો, એને મળે હડસેલો,
કાગડા માટે થાળી ભરી, ને પુણ્યનો લાગ્યો મેળો;
સ્વર્ગે દાદા જોઈને રડતા, ‘શું કરું આ રિવાજ?’
કા… કા…
પરાગ કહે: જીવતાંને દઈએ પ્રેમ, આદર ને હાથ,
તો શ્રાદ્ધની ખીર ન જોઈએ, દાદા રહે સદા સાથ;
કાગડો ઊડી ગયો, બોલ્યો: ‘સમજો, વખત છે આજ’…
કા… કા…
– પરાગ રતનપરા