જ્યાં જોઉં ત્યાં તું
નથી તું ક્યાંય, તોયે જ્યાં જોઉં ત્યાં તું જ મલકતી,
આંગણની તુલસીમાં તારી ઓઢણી ફરફરતી.
ચાના કપથી વરાળ ઊઠે, એમાં તારો ચહેરો,
છાપું ખોલું ત્યાં પહેલે પાને તારો પહેરો;
કૅલેન્ડરનાં પાનાં ફરતાં, તારી તિથિ ન ફરતી…
નથી તું ક્યાંય…
બસની બારી બહાર ઝાડવાં તું જ થઈને દોડે,
પાછળ પાછળ ટહુકો મારો સાવ અધૂરો છોડે;
આંખ મીંચું તો પાંપણ પાછળ તું જ દીવો ધરતી…
નથી તું ક્યાંય…
પરાગ કહે: આ ભ્રમ છે કે સત, કોણ મને સમજાવે?
ફૂલ ખીલે ત્યાં મ્હેક થઈને તું જ પહેલી આવે;
જીવું છું તો હું, પણ મારામાં તું જ શ્વાસ ભરતી…
નથી તું ક્યાંય…
– પરાગ રતનપરા