← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જૂનો કૂવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામનો જૂનો કૂવો
હવે
લોખંડના ઢાંકણ નીચે
સૂતો છે.

નળ આવ્યા,
બોર આવ્યા,
બાટલીમાં પાણી આવ્યું.

એક જમાનામાં
કૂવાએ
પનિહારીઓનાં ગીતો
ભેગાં કર્યાં હતાં,
ઘડાના રણકાર,
ગરગડીની ચીસ,
પહેલી પ્રીતની વાતો,
અને
એક દિવસ
એક છોકરીનો
છેલ્લો કૂદકો પણ.

હવે
કોઈ
અંદર ડોકિયું કરતું નથી.

કૂવો
ઊંડે ઊંડે
પોતાનું જ પ્રતિબિંબ જોયા કરે છે,
અને
પાણી વગર પણ
ભરેલો રહે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગાંધીજીઆગલો લેખ →સગું ક્યાં?