જોઈએ છે
જોઈએ છે:
એક શ્રોતા.
ઉંમર: કોઈ પણ.
લાયકાત: કાન હોવા જરૂરી,
મોબાઇલ ન હોય તો ઉત્તમ.
કામ:
રોજ સાંજે છ થી સાત
એક બાપુજીની
બોંતેરના દુકાળની,
પહેલી નોકરીની,
અને બાના હાથની દાળની
એ જ વાતો
પહેલી વાર સાંભળતા હોઈએ એમ
સાંભળવી.
પગાર:
ચા, બિસ્કિટ,
અને ક્યારેક
માથે ફરતો હાથ.
અરજી કરવાનું સરનામું:
તમારું જ ઘર —
દીવાનખંડનો
પેલો ખૂણો.
– પરાગ રતનપરા