ઝાકળનું ગીત
ઝાકળ જેવું સગપણ રાખ્યું, સૂરજ ઊગ્યે ઊડી જાશે,
તોય પાંદડે પાંદડે એની લીલી લીલી વાત લખાશે.
ચપટીક ભીનાશે ઓરડે વાવ્યાં તુલસીનાં બે પાન,
આંગણ આખું મ્હેકી ઊઠ્યું, ભૂલી ગઈ હું ભાન;
કોણ કહે કે ક્ષણનું સુખ તો ક્ષણમાં જ ઢોળાઈ જાશે?
ઝાકળ જેવું સગપણ રાખ્યું…
કાચી માટીનું કોડિયું ને કાચો સૂતર-તાર,
તોય રાતભર ઝળહળ્યું રે મારું નાનકડું ઘરબાર;
તડકો આવી પૂછે મુજને: ‘ક્યાં સુધી આ સચવાશે?’
ઝાકળ જેવું સગપણ રાખ્યું…
પરાગ કહે: ફૂલ ખરી જશે, પણ ખુશ્બૂ ક્યાં ખરવાની?
ઓગળતી ઝાકળમાં જોઈ મેં અમરતની એંધાણી;
જે પળ સાચું જીવી લીધું, એ પળ નહીં વિસરાશે.
ઝાકળ જેવું સગપણ રાખ્યું…
– પરાગ રતનપરા