ઝાકળ જેવું સુખ
ઝાકળ જેવું સુખ, સાજન, ઘડીક પાંપણ બેસે,
પકડું પકડું થાઉં ત્યાં તો તડકો ઘરમાં પેસે.
સવાર પડતાં ઘાસની ટોચે મોતી થઈને ઝૂલે,
હળવે હાથે અડકું ત્યાં તો મનનો રસ્તો ભૂલે;
રોજ મળે ને રોજ સરે, એ સુખને કોણ કહેશે?
ઝાકળ જેવું…
દુઃખ તો પથ્થર, ઘરના ખૂણે વરસોવરસ રહેતો,
ભીંતે બેસી ભાગ્ય સરીખો ભારે મનથી કહેતો;
‘હું જ તને સાચવીશ’, એવું વચન દઈને બેસે…
ઝાકળ જેવું…
પરાગ કહે: આ ઝાકળને ના બાંધો મુઠ્ઠી માંહે,
ઘડીક ઝળકે, ઘડીક ઊડે, એ જ તો સુખની ચાહે;
ખુલ્લી હથેળી રાખો તો એ ફરી ફરીને બેસે…
ઝાકળ જેવું…
– પરાગ રતનપરા