← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાંદડી પર બેઠું ઝાકળ સૂરજ સામે તાકે,
ઘડીકનું આયુષ્ય, તોયે આખું આભ એ રાખે.

રાત આખી ચાંદો પીધો, તારા ભરિયા આંખે,
પરોઢિયે પંખીએ આવી પોંખ્યું એને પાંખે;
ઊડી જવાનું, તોય ખુશીથી અમરત જેવું ચાખે…
પાંદડી પર…

છોકરીએ જ્યાં આંગળી અડાડી, ફૂટ્યું ટીપું શાખે,
ઘરડી બા બોલી: ‘એ તો આખું જીવતર દાખે’;
ટકવું નહીં, પણ ચમકી જાવું, ઝાકળ એવું ભાખે…
પાંદડી પર…

પરાગ કહે: હું ય ઝાકળ જેવો, પળભર પાંદે બેઠો,
સૂરજ સામે ઝળહળીને ઊડી જઈશ ચૂપ છેટો;
મ્હેક બનીને રહી જઈશ હું કોઈ ફૂલની શાખે…
પાંદડી પર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહસ્તિનાપુરઆગલો લેખ →શરદપૂનમ