← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાડ વાવજો રે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લીમડો કાપ્યો, પીપળો કાપ્યો, કાપી આંબાડાળ,
હવે ઉનાળે છોરાં શોધે છાંયાનો ભૂતકાળ.

ચકલી બોલી: માળો ક્યાં બાંધું? ક્યાં ગઈ મારી ડાળ?
કોયલ બોલી: ટહુકો ક્યાં મૂકું? સૂની સઘળી પાળ;
ટાવર ઊગ્યા, ઝાડ ખર્યાં, ને સુકાઈ ગઈ સંભાળ…
લીમડો કાપ્યો…

નેતા આવ્યા, રોપો રોપ્યો, ફોટો પાડ્યો ખાસ,
બીજે દા'ડે બકરી ચરી ગઈ, રહી ગયું બસ ઘાસ;
છાપે છાપે લીલી હરિયાળી, ધરતી પર દુકાળ…
લીમડો કાપ્યો…

પરાગ કહે: એક બીજ ખિસ્સામાં રાખી નીકળો રોજ,
ભીની માટી જ્યાં દેખો ત્યાં કરજો એની મોજ;
દીકરા જેવું ઝાડ ઉછેરો, એ જ ઘડપણની ઢાલ…
લીમડો કાપ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગુલમ્હોરઆગલો લેખ →પ્રાર્થના