← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાડ ને પંખી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝાડને થાય કે પંખી થાઉં, ઊડી જાઉં આકાશે,
પંખીને થાય કે ઝાડ થાઉં, મૂળ નાખું જઈ પાસે.

ઝાડ કહે: ‘મારે પગ નથી, હું ઊભું એક જ ઠામ,
વરસોથી આ ધરતી જોઉં, એ જ ગલી, એ જ ગામ;’
પંખી કહે: ‘મારે ઘર નથી, હું ભટકું શ્વાસે શ્વાસે’…
ઝાડને થાય…

ઝાડ કહે: ‘મને ગીત દે તારું, ટહુકો થાવું એક,’
પંખી કહે: ‘મને છાંયો દે, ને મૂળિયાંની ટેક;’
બંને રોયાં, બંને હસ્યાં, એક જ સાંજ ઉજાસે…
ઝાડને થાય…

પરાગ કહે: આ ઝાડ ને પંખી, બંને મારી ભીતર,
એક કહે ‘રહી જા ઘરમાં’, બીજું કહે ‘ઊડ, ઈશ્વર!’
જે બંને સાથે જીવી જાણે, એ જ સાચું જીવ્યાં ભાસે…
ઝાડને થાય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમેંદીઆગલો લેખ →અજાણી બા