ઝાડ છે
વીજ પડતાં પાંદડાં ગ્યાં, આ બળેલું ઝાડ છે,
તોય એની ડાળ પર માળો ભરેલું ઝાડ છે.
ના નદી, ના વાદળી, ના કોઈ માળી પાસમાં,
પથ્થરે ઊગી, હવામાં આ ચડેલું ઝાડ છે.
એ જ આવ્યા છે કુહાડી લઈ, હતા જે છાંયડે,
તોય માથું ના ઉઠાવ્યું, બસ નમેલું ઝાડ છે.
બાળપણનો હીંચકો બાંધ્યો હતો જે ડાળ પર,
આજ પણ મારી જ પેઠે, એ ઢળેલું ઝાડ છે.
પાનખર વીતી, વસંતે આ પરાગે ગીતમાં:
‘જે હતું ઠૂંઠું, જુઓ આજે, હસેલું ઝાડ છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #વૃક્ષ #પ્રકૃતિ #ખમીર #વસંત #પરાગરતનપરા
#GujaratiGhazal #Tree #Nature #Resilience #SpringReturns #ParagRatanpara