ઇચ્છા વગર
એ ફકીરી ગીત એવું ગાય છે ઇચ્છા વગર,
જેમ વગડે વાયરો પણ વાય છે ઇચ્છા વગર.
ઝાડ ક્યાં માગે બદલમાં? છાંયડો દે છે સદા,
ને ઝરણ ખળખળ કરીને જાય છે ઇચ્છા વગર.
એ ન માગે કોઈ પાસે, એ ન રાખે ડર કશો,
બાળ સમ એ તો ઝરામાં ન્હાય છે ઇચ્છા વગર.
બુદ્ધિ સમજાવે ઘણું, પણ દિલ કદી સમજે નહીં,
પ્રેમ પણ સાચો હશે તો થાય છે ઇચ્છા વગર.
ને ‘પરાગે’ કાગળે જ્યાં શબ્દ વાવ્યા પ્રેમથી,
મોલ પેઠે આ ગઝલ છલકાય છે ઇચ્છા વગર.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીરી #નિષ્કામ #સૂફી #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #Desirelessness #Detachment #PureSong #ParagRatanpara