← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હેતનું ભાથું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાજે રે દીકરા, શહેરની વાટે, ભાથું બાંધ્યું હેતનું,
એમાં મૂક્યું છે ગામનું પાદર, માટી મૂકી ખેતનું.

થેપલાં ભેળું મૂક્યું છે મેં ચપટીક ચૂલાનું તાપણું,
ઠંડી રાતે ખોલજે, તને લાગશે ઘર આપણું;
મેલું થાય જો મનડું તો, લેજે નામ મા-બેનનું…
જાજે રે દીકરા…

ઊંચી ઇમારત જોઈ, બેટા, ભૂલી ન જાજે ઝૂંપડી,
ઝગમગ દીવા દેખી ન ભૂલજે માડીની આ કોડિયાવડી;
પૈસા કમાજે ખૂબ, પણ ખોજે ના સૂતર નેહનું…
જાજે રે દીકરા…

પરાગ કહે: આ ભાથું ખૂટશે ના કદી, જો જોઈ લે,
જેટલું વહેંચે એટલું વધશે, હેત હૈયે પોઈ લે;
દરિયાપાર ભલે તું જાજે, ઋણ ચૂકવજે દેશનું…
જાજે રે દીકરા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમાનું ચિત્રઆગલો લેખ →બાપુ