હીંડોળો
ઝૂલે રે ઝૂલે, હીંડોળે ઝૂલે નંદનો લાલ,
રેશમની દોરી, ને ચંદનનો પાટ, ને ગોપીઓના ગાલ લાલ…
શ્રાવણની હેલી વરસે, ને મોરલા કરે ટહુકાર,
ગોપીઓ ગીત ગાય, ને વાગે ઝાંઝરનો ઝણકાર;
રાધાજી હળવે ઝુલાવે, ને શ્યામ કરે છે ધમાલ…
ઝૂલે રે ઝૂલે…
ફૂલડાંની વેલે શણગાર્યો, હીંડોળો મોગરે મ્હેક્યો,
કાનાની વાંસળી સાથે આખો વ્રજ જાણે બ્હેક્યો;
પવન પણ થંભી ગયો, ને જમુના પણ થઈ ન્યાલ…
ઝૂલે રે ઝૂલે…
પરાગ કહે: હીંડોળો તો હૈયાનો છે ઝૂલો,
ભક્તિ જેની દોરી, ને પ્રેમ જેનો ઝૂલો;
હળવે ઝુલાવો, સૈયર, રખે જાગી જાય ગોપાલ…
ઝૂલે રે ઝૂલે…
– પરાગ રતનપરા