હજી પણ
સહી સો સિતમ, તોય હસતી હજી પણ,
ઘરે દીવડો થઈ ય બળતી હજી પણ.
નથી ઢાલ, તલવાર, ના કોઈ સેના,
છતાં એ જગત સાથ લડતી હજી પણ.
ઘરે, ખેતરે, ને બજારે, પરોઢે,
ચકરડી બનીને ય ફરતી હજી પણ.
ભલે આંખ ઝાંખી, ભલે કેડ વાંકી,
છતાં પૌત્ર સાથે ય રમતી હજી પણ.
પરાગે ઘણા ગ્રંથ વાંચ્યા, છતાં મા
ગઝલમાં, દુઆમાં ય મળતી હજી પણ.
– પરાગ રતનપરા
#ગઝલ #નારી #સ્ત્રીશક્તિ #મા #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #WomanPower #Resilience #Mother #UnbrokenSpirit #ParagRatanpara