હાથમાં
બાળપણમાં બા ધરે, તો હેત-દરિયો હાથમાં,
રાત પડતાં ઊંઘવાને નર્મ તકિયો હાથમાં.
મંદિરે જઈ ભીડમાં ઊભી રહેતી બા સદા,
ને પ્રસાદી લાવતી, લઈ પાન-પડિયો હાથમાં.
એકડો ઘૂંટાવતી બા, ઓસરીએ પાસ લઈ,
આંગળી ઝાલી, ધરી’તો કાચ-ખડિયો હાથમાં.
સાંજ પડતાં ગોખમાં દીવો કરી બેસી જતી,
રામનામે ફેરવે એ એક મણિયો હાથમાં.
આ પરાગે ગામ જઈને ઘર નિહાળ્યું, ને અરે!
ઓરડી બાની ઢળી, બસ એક નળિયો હાથમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #બા #માતૃપ્રેમ #બાળપણ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MothersHands #ChildhoodHome #Remembrance #ParagRatanpara