← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હાલો ભેરુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાલો ભેરુ, હાલો રે, ખભે ખભો મેળવીએ,
કોઈ ન આવે સાથે, તો ય પગલે પગલું ભરીએ.

ના કોઈ રાજા, ના કોઈ મંત્રી, ના કોઈ પીર-ફકીર,
ખેતર ખેડે હાથ આપણા, એ જ સાચી તકદીર;
પરસેવાનાં મોતી વેરી, ધરતી સોનું કરીએ…
હાલો ભેરુ…

વાદળ રૂઠે, વાયુ રૂઠે, રૂઠે આખું ગામ,
આપણો આપણને ભરોસો, ના થઈએ ગુલામ;
આંધી આવે, ઝૂકી જઈએ, પાછાં ઊભાં થઈએ…
હાલો ભેરુ…

પરાગ કહે: આ બાવડાંમાં છે નદીઓનું જોર,
ભેળાં મળીએ, તો ના તૂટે, એવો એક જ દોર;
અંધારામાં એકબીજાનો દીવો થઈને બળીએ…
હાલો ભેરુ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરામજીઆગલો લેખ →સોનાના રસ્તા