હા માં હા
કહે સાહેબ જે કૈં પણ, અમારું કામ હા માં હા,
દિવસને રાત કે' તો પણ, મળે છે દામ હા માં હા.
નમે છે જે વધારે, એ જ પામે ટોચ ને ટોપી,
હવે તો કેડને પણ છે ઘણો આરામ, હા માં હા.
હતા જે ક્રાંતિના ગાયક, હવે દરબારના ગાયક,
કલમનો એ જ આવ્યો છે, જુઓ અંજામ હા માં હા.
ઘરે પત્ની કહે ‘બેસો’, તરત બેસી જતો સીધો,
હવે તો દેશ આખાનો થયો પયગામ: હા માં હા.
પરાગે સ્હેજ ‘ના’ બોલી, સભા છોડી ગયા સાથી,
હજી ત્યાં ગાય છે આખું નગર ને ગામ: હા માં હા.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ખુશામત #ચમચાગીરી #સત્તા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Flattery #YesMen #PowerPolitics #ParagRatanpara