ગુરુનો પ્યાલો
ગુરુજીએ પાયો એક પ્યાલો, ઓગળી હુંની દીવાલ, હો સાધુ!
એ રસ પીતાં છૂટી ગઈ મારી જનમ-જનમની જાળ, હો સાધુ!
એક ઘૂંટડે ભાગી ગયાં સૌ ભેદ-ભરમનાં ભૂત,
માટી-માટી એક જ દીઠી, ભલે રંગ નોખાં સૂત;
જ્યાં જોઉં ત્યાં એક જ દીવો, એક જ છે અજવાળ, હો સાધુ!
ગુરુજીએ પાયો…
બીજે ઘૂંટડે મોત ન રહ્યું, ન રહ્યો જન્મનો ડર,
સાગરમાં જઈ ટીપું ભળ્યું, ટીપામાં સાગર;
હવે ના કોઈ આવન-જાવન, ના કોઈ જંજાળ, હો સાધુ!
ગુરુજીએ પાયો…
દાસ પરાગ કહે: આ પ્યાલો ના વેચાય બજાર,
શીશ ધરે તે પામે એને, ઝૂકે જે નર-નાર;
પીનારો પણ પ્યાલો બનતો, એવી અકળ કમાલ, હો સાધુ!
ગુરુજીએ પાયો…
– પરાગ રતનપરા